આજ રોજ તા. ૨૪/૦૭/૨૦૧૮ ના દિવસે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી આર.વી રાવલ આઈ.ટી.આઈ (GIA) તથા શ્રી બી.કે અને શ્રી જી.કે.પટેલ સ્વનિર્ભર આઈ.ટી.આઈ.ના વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓનો વિદાય – શુભેચ્છા અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ ગોઝારિયા ગામના સરપંચ શ્રી રમેશભાઈ એસ.પટેલ સાહેબની અધ્યક્ષતામાં તથા મુખ્ય મહેમાન શ્રી આર.આર.શાહ સાહેબ ( નિવૃત સુપરવાઈઝર – ધી યુનિયન હાઈસ્કૂલ, લાંઘણજ) ની હાજરીમાં યોજાઈ ગયો.
તાલીમાર્થીઓને શુભેચ્છા – વિદાય આપવા અને તાલીમાર્થીઓની સફળતાને ઈનામથી પ્રોત્સાહિત કરી ઉદ્દીપકીય બળ આપવા ગોઝારિયા કેળવણી મંડળના મંત્રીશ્રી શૈલેષભાઈ મણીલાલ પટેલ, ટ્ર્સ્ટી શ્રી જયંતિભાઈ એચ.પટેલ, શ્રી ભીખાભાઈ એમ.પટેલ ( ગો.કે.મંડળ – બાંધકામ સમિતિ સભ્ય) ની હાજરી નોંધનીય રહી
ગોઝારિયા કેળવણી મંડળના યુવા ઉત્સાહી મંત્રી શ્રી શૈલેષભાઈ સાહેબે પોતાના વક્તવ્યમાં અષ્ટદશાબ્દી પર્વની ઉજવણીનો ચિતાર રજૂ કર્યા, મંત્રીશ્રીએ પોતાના વક્તવ્યમાં તાલીમાર્થીઓને જણાવ્યું કે આ દેશનો વિકાસ તથા દેશની ગુણવત્તા ફક્ત માલસામાન અને સાધનો પર જ નહિ પરંતુ તાલીમી કૌશલ્ય ધરાવતા યુવાનો પર આધાર રાખે છે. દેશનું ભાવિ પોપટીયા ગોખણિયા શિક્ષણમાં નહિ પરંતુ તાલીમી કૌશલ્ય ધરાવતા યુવાનો તૈયાર કરતી આઈ.ટી.આઈ માં ઘડાઈ રહ્યું છે.
સદર સમારંભમાં શ્રી વી.એલ.નાગપરા સાહેબ, શ્રી જે.એલ.ઠાકોર સાહેબ અને શ્રી એસ.કે.પટેલ સાહેબે પોતાના વક્તવ્યમાં તાલીમાર્થીઓના વિકાસ –રસ રૂચિની હદ્યસ્પર્શી વાતો કરી. શ્રી એસ.કે.પટેલ સાહેબે આઈ.ટી.આઈ પરિવાર વતી વિદાય લઈ રહેલા તાલીમાર્થીઓને જીવનમાં ડગલે ને પગલે સફળતા મેળવવાની શુભેચ્છા પાઠવી.
કાર્યક્રમના અંતિમ ચરણમાં અધિક્ષક શ્રી વિનોદભાઈ પટેલ સાહેબે તાલીમાર્થીઓને પરીક્ષાલક્ષી માહિતી તેમજ શુભેચ્છા પાઠવી.
સૌથી આનંદની પળ એ હતી કે જુલાઈ ૨૦૧૪-૨૦૧૫ અને ૨૦૧૬ માં દરેક ટ્રેડમાં પાસ થયેલ અને પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તારલાઓ તેમજ તેમને તૈયાર કરનાર વિવિધ ટ્રેડના ક્રા.ઈ.શ્રીઓને રોકડ પુરસ્કારોથી શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. ઈનામ વિતરણ કાર્યક્રમનું સુચારૂ સંચાલન ઈલેક્ટ્રોનિક્સ વિભાગના ઈન્સ્ટ્રક્ટર તથા સંસ્થાના પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટર શ્રી એસ.કે.પટેલ સાહેબ તથા મેથ્સ ડ્રોઈગ ઈન્સ્ટ્રક્ટર શ્રી ડી.એમ.પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. જ્યારે મહેમાનોનું સ્વાગત –અભિવાદન અને વિદાય – શુભેચ્છા કાર્યક્રમનું સંચાલન સિનિયર ઈન્સ્ટ્રક્ટર શ્રી વી.એલ.નાગપરા સાહેબ દ્વારા કરવામાં આવ્યું.