કોઈએ સાચું જ કહ્યું છે કે …જ્ઞાનથી પવિત્ર બીજું કશુજ નથી એ વિચારને જીવનપર્યંત સાચા અર્થમા ચરિતાર્થ કરનાર અને આજીવન ‘સત્યમ’, ‘શિવમ’ અને ‘સુંદરમ’ વિચારને કર્મપ્રધાન અને ઉપાસક માનનાર એટલે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ,ગોઝારિયા.
તા. ૦૬-૦૪-૧૯૩૭ ના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળની સ્થાપના થઈ. ૧૯૩૭થી સતત આજ-દિન સુધી ઉત્તમ કેળવણીના મૂલ્યો અને ‘બેટી બચાવો,બેટી વધાવો અને બેટી પઢાવો આવા સુંદર વિચારો સાથે સંસ્થા વટવૃક્ષ સમાન બની છે.
ચાલુ વર્ષે કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવી રહ્યું છે. અષ્ટ દશાબ્દી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ દાતાઓ તન-મન અને ધનથી સંસ્થા માટે પરસેવો રેડી રહ્યા છે. જે સંસ્થા માટે આનંદની વાત છે.
ગોઝારિયા કેળવણી મંડળના કારોબારી સભ્ય અને અષ્ટ દશાબ્દી મહોત્સવ દરમ્યાન ગં.સ્વ. ગીતાબેન જયંતીભાઈ ડાહ્યાભાઈ પટેલ (નુગોરવાળા) પરિવાર, હસ્તે. ગૌરવભાઈ જયંતીભાઈ ડી . પટેલ (U.S.A) અને જીગ્નેશભાઈ જયંતીભાઈ ડી.પટેલ (અમદાવાદ ) તરફથી સંસ્થાને ૧,૨૧,૦૦,૦૦૦/- ( એક કરોડ એકવીસ લાખ ) જેટલી માતબર રકમનું દાન અંગ્રેજી માધ્યમની તમામ શાળાઓના ટાઈટલ દાતા તરીકે દાન મળ્યું છે. જે ખૂબ ખૂબ અને ખૂબજ આનંદની વાત છે. દાતાશ્રી જિગ્નેશભાઈ જયંતિભાઈ પટેલ દ્વારા અષ્ટ દશાબ્દી મહોત્સવ દરમ્યાન યોજાયેલ બધાજ કાર્યક્રમોમાં તન- મન અને ધનથી સક્રિય ભાગીદારી રહી છે.
બધાજ કાર્યક્રમોમાં યુવાનોમાં – ગામમાં અમદાવાદ રહેતા ગોઝારિયાના વતનપ્રેમીઓમાં તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ચેતનાઓ સંચાર કરતો કાર્યક્રમ શિક્ષણ જ્ઞાન જ્યોત પદયાત્ર તા. ૧૯/૨૦-૧૦-૨૦૧૮ ના રોજ સંપન્ન થયો. તા. ૧૯-૧૦-૨૦૧૮ શુક્રવારના રોજ સવારે ૪-૦૦ કલાકે દાતાશ્રી શ્રી જિજ્ઞેશભાઈ પટેલના અમદાવાદના નિવાસ સ્થાન ૨૦૧, ઈન્દ્રપ્રસ્થ – ૯, ન્યુ રાણીપ ) ખાતે ગોઝારિયા ગામના ૧૨૫ યુવાન – વડીલ ભાઈઓ બહેનો કે જે પદયાત્રામાં સામેલ થવાના હતા તે ટી શર્ટ સાથે પદયાત્રા માટે થનગની રહ્યા હતા. દરેકના ચહેરા પર ગામ માટે – શિક્ષણ માટે કંઈક કરી યોગદાન આપવાનો જુસ્સો ચહેરા પર જોવા મળી રહ્યો હતો. શ્રી જિજ્ઞેશભાઈના ઘેર કુટંબના દરેક સદસ્યના ચહેરા પર શિક્ષણના આ પવિત્ર યજ્ઞમાં જોડાવવાનો આનંદ – ઉત્સાહ જોવા મળતો હતો.
સવારે ૪-૦૦ કલાકે ગોઝારિયા કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે.કે.પટેલ સાહેબ, ઉપપ્રમુખશ્રી ડૉ. માણેકલાલ પટેલ સાહેબ , કારોબારી સદસ્ય તથા અમદાવાદના કન્વીનર શ્રી આર.સી,પટેલ સાહેબ, શ્રી જીતુભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ પટેલ મહેમાનશ્રીઓ શિક્ષણ જ્યોતનું પ્રસ્થાન કરાવવા હાજર હતા. સવારે ચા,નાસ્તા બાદ ૪-૩૦ કલાકે શ્રી કે.કે.પટેલ સાહેબના હસ્તે જ્યોત પ્રગટાવવામાં આવી. મા સરસ્વતીની સ્તુતિ,વંદના,આરતીવંદના કરવામાં આવી અને ગં.સ્વ.ગીતાબેન જયંતીભાઈ ડાહ્યાભાઈ પટેલે લીલીઝંડી આપી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું.
પદયાત્રાના રૂટીન કાર્યક્રમ મુજબ સૌ પદયાત્રીઓ આનંદ – ઉલ્લાસ સાથે માદરે વતન પહોંચવા રથ સાથે સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. સંગીતના તાલે મા સરસ્વતીની આરાધના – વંદના સાથે સૌ ઝૂમતા ઝૂમતા અડાલજ ચાર રસ્તા પહોચ્યા. અડાલજ ચાર રસ્તા સૌ પદયાત્રીઓએ સવારનો ગરમ ચા-કોફી નાસ્તાને ન્યાય આપ્યો. પદયાત્રાના આયોજન મુજબ બપોરે ૧૨-૩૦ કલાકે મોટી આદરજ પહોચ્યા,ત્યાં બપોરના સમતોલ ભોજન બાદ આરમા કરી સૌ પદયાત્રી ૪-૦૦ કલાકે પ્રસ્થાન કર્યુ અને મોટી આદરજથી સરઢવ – નારદીપુર થઈને રાત્રે ૮-૦૦ કલાકે નિર્ધારિત આયોજન મુજબ પલીયડ ( વેરાઈ માતા બટીયાવાસની વાડી ) પહોચ્યા. માતાજીની સ્તુતિ, આરતી વંદના કરી રાત્રિ ભોજન બાદ સૌ ચર્ચા – ચિંતન બાદ સૌ એ સૂવાની તૈયારી કરી.
તા. ૨૦-૧૦-૨૦૧૮ ના રોજ સવારે ૪-૩૦ કલાકે મા અંબાજી – સરસ્વતીની આરાધના બાદ સૌ પદયાત્રીઓ પ્રસ્થાન માટે તૈયાર હતા. વહેલી પરોઢે પલિયડથી પ્રસ્થાન કરી વેડા- હિંમતપુરા-ખાટા આંબા થઈને સવારે ૮-૦૦ કલાકે પારસા પહોચ્યા. પારસા ગરમ ચા-કોફી નાસ્તાની લિજ્જ્ત માણી સૌ ગોઝારિયા માદરે વતન પહોંચવા આતુર હતા.
માદરે વતન ગોઝારિયામાં, ગોઝારિયા કેળવણી મંડળના ટ્ર્સ્ટીશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી,ડેપ્યુટી સરપંચશ્રી,ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ તથા ગામના આગેવાનશ્રીઓ, વડીલો, યુવાનો , વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સારસ્વત સ્ટાફ, વિધ્યાર્થી ભાઈઓ- બહેનો વાંટામાં મા બહુચર માતાજીના મંદિરે પદયાત્રીઓને વતનના આંગણે આવકારવા – સત્કારવા અને હાઈસ્કૂલ સુધીની શોભાયાત્રામાં જોડાવવા તૈયાર હતા. સવારે લગભગ ૯-૦૦ કલાકે પદયાત્રીઓ ગોઝારિયા મા બહુચરના સાંનિધ્યમાં જ્યોત સાથે પધાર્યા.
અષ્ટ દશાબ્દી મહોત્સવના સહ કન્વીનર અને મુખ્ય દાતાશ્રી જિજ્ઞેશભાઈ પટેલે ગામના સરપંચ/ડેપ્યુટી સરપંચશ્રીને શિક્ષણ જ્યોત અર્પણ કરી. શિક્ષણની અજવાળુ પાથરતી શિક્ષણ જ્યોત શોભાયાત્રા સ્વરૂપે ગામમાં પ્રદક્ષિણા કરી ડી,જે સંગીતના તાલે નાચતા-કૂદતા સૌ હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાં પહોચ્યા. હાઈસ્કૂલમાં સુશોભિત મંડપમાં સૌ મહેમાનશ્રીઓ,ગ્રામજનો,વિદ્યાર્થીઓ સવારે ૧૦-૩૦ કલાકના ટકોરે ગોઠવાયા.
સમારંભ અહેવાલ :
શિક્ષણ જ્ઞાન જ્યોત પદયાત્રા સંમેલનના કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતીના શ્લોક અને પ્રાર્થનાથી થઈ. પ્રાર્થના બાદ અષ્ટદશાબ્દી મહોત્સવના કન્વીનર શ્રી જયંતિભાઈ પટેલે સ્વાગત – પરિચયમાં આદરણીય મહેમાનશ્રી, શ્રી જીતુભાઈ પટેલ, ડૉ. ગુણવંતભાઈ પટેલ,પંડ્યા રાજેન્દ્રભાઈ, ગં સ્વ ગીતાબેન જયંતિભાઈ પટેલ,શ્રી જિજ્ઞેશભાઈ પટેલ,શ્રી કે.કે.પટેલ,શ્રી હિંમતભાઈ પટેલ,શ્રી આર.સી પટેલ,શ્રી ડો.માણેકલાલ પટેલ,શ્રી ઈશ્વરભાઈ પટેલ,શ્રી કે.ડી પટેલ તથા પદયાત્રીઓ અને મુંબઈ પ્રગતિ મંડળના કાર્યકરોનો સ્વાગત પરિચય આપી મહાઉત્સવમાં આવકાર્યા.
શાબ્દિક સ્વાગત પરિચય બાદ ડાયસ પર બિરાજમાન મહેમાનશ્રી તથા દાતાશ્રીઓનું શ્રી ગોઝારિયા કેળવણી મંડળના ટ્ર્સ્ટીશ્રી, કારોબારી સભ્યશ્રીઓએ શાલ અને બુકેથી સ્વાગત કર્યું. સૌથી નોંધનીય બાબત એ જોવા મળી કે નુગોર પરિવારના મુખ્ય ૧ કરોડ ૨૧ લાખના દાતાશ્રી જિજ્ઞેશભાઈનું ફૂલહારથી સ્વાગત સન્માન તેમના નૂગોર પરિવારના કુટુંબીજનો શ્રી દશરથભાઈ,શ્રી રસિકભાઈ,શ્રી વિષ્ણુભાઈ,શ્રી ભરતભાઈ એ કર્યું.
દાતાશ્રીઓનું શાલ અને બુકેથી સ્વાગત બાદ મહેમાનશ્રીઓના હસ્તે પદયાત્રીઓનું શાલ અને સ્મૃતિ ચિહ્નથી સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમની ઊડીને આંખે વળગે તેવી પળ એ આવી કે કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.પટેલ સાહેબે પ્રજ્વલિત્ત શિક્ષણ જ્ઞાન જ્યોત બધીજ સંસ્થાઓના વડાશ્રીઓને હસ્તાન્તર કરી અને શ્રી જયંતિભાઈએ સર્વ સંસ્થાઓના વડાશ્રીઓને કહ્યું કે હવે આ જ્યોતને પ્રજ્વલિત રાખી પોઝીટીવ પ્રતિભાવ આપી આ સંસ્થાને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ નમૂનેદાર સંસ્થા બનાવવાની જવાબદારીની યાદ પાવી.
શિક્ષણ જ્યોત હસ્તાન્તર કર્યા બાદ આદરણીય શ્રી હિંમતભાઈ સાહેબે તેમના વક્તવ્યમાં જ્ઞાન જ્યોતની મહિમાની વાત કરી અને કહ્યું કે જ્યોત અંધકાર દૂર કરી પ્રકાશ આપે છે. પદયાત્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા તેમજ શિક્ષકશ્રીઓને કહ્યું કે આપની પાસે હીરાના રફ પથ્થર અમો મોકલી રહ્યા છે આ રફ પથ્થર પર પહેલ પાડી તેને ચમકાવવાની જવાબદારી આપના શિરે છે.
ત્યારબાદ પદયાત્રી શ્રી વિનુભાઈના પ્રતિભાવ જાણી સૌએ ખુશી અનુભવી. પદયાત્રીના અનુભવમાં જાણવા મળ્યું કે પદયાત્રા દરમ્યાન શ્રી જિજ્ઞેશભાઈ દ્વારા ખૂબજ માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે પદયાત્રા ખૂબજ સફળ રહી.
સમારંભના અંતિમ ચરણમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.પટેલ સાહેબે પોતાના વક્તવ્યમાં સૌ નો સાથ – સૌ નો વિકાસ – સૌ નો આનંદ ની અદભૂત વાત કરી. શ્રી કે.કે.પટેલ સાહેબે ૧ કરોદ ૨૧ લાખ જેટલું માતબર દાનની સખાવત અર્પણ કરી સમગ્ર અષ્ટ દશાબ્દી કાર્યક્રમ વાઈબ્રન્ટ બનાવવા બદલ શ્રી જિજ્ઞેશભાઈ પટેલ તથા તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. પદયાત્રા દરમ્યાન રથ તૈયાર પદયાત્રીઓમાં રથના માધ્યમ દ્વારા શક્તિનો સંચાર કર્યા અને નિર્વિધ્ને લાવી પરત લઈ જવાની મુખ્ય જવાબદારી જેના શિરે હતી તે મહેશભાઈને પણ અભિનંદન આપ્યા. શ્રી કે.કે.પટેલ સાહેબે તેમના પ્રવચનમાં દાતાશ્રી રાજેન્દ્રભાઈ પંડ્યા તથા નાના દાતાશ્રીઓ કે જેમને કાર્યકરોને સફળ બનાવવા તન-મન અને ધનથી સેવા સમય આપ્યો છે તે બધાનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા. અંતે રમૂજી પળમાં સાહેબશ્રી તેમના મિત્ર અને ભોગીભાઈ રાણાને યાદ કર્યા. અને આગામી ૧૦૦ વર્ષની શતાબ્દી મહોત્સવજ્યારે ઉજવાશે ત્યારે પણ સાથ-સહકાર- ઉત્સાહ અને આશીર્વાદ આપતા રહેશો તેવી વાત કરી.
અંતે પદયાત્રી શ્રી નિતીનભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી. સમગ્ર સ્ટેજ કાર્યક્રમનું સફળ સંચાલન કેળવણી મંડળના નિયામક શ્રી નિરૂભાઈ કે.પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
સમારંભ બાદ સૌ મહેમાનશ્રીઓ તથા શાળા પરિવારે આઈ.ટી.આઈ માં રાખેલ ભોજન પ્રસાદ મેળવી ધન્યતા અનુભવી.
તા. ૨૦-૧૦-૨૦૧૮ નો હાઈસ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી જયંતિભાઈ પટેલ,મંત્રીશ્રી શૈલેષભાઈ પટેલ, કારોબારી સદસ્ય પ્રો.અશોકભાઈ જી.પટેલ, શ્રી શૈલેષભાઈ એસ.પટેલ તથા કેળવણી મંડળના અન્ય હોદ્દેદારશ્રીઓ, નિયામકશ્રી એન.કે.પટેલ સતત ખડેપગે રહ્યા છે તેમના માર્ગદર્શન તથા સુચારૂ આયોજનના કારણે આજનો આ “શિક્ષણ જ્ઞાન જ્યોત પદયાત્રા સમારંભ” કાર્યક્રમ અવિસ્મરણીય બની રહ્યો છે નવી પેઢીને લાંબા સમય સુધી નયનપટલ પર સંભારણું બની રહેશે.