સ્વચ્છ રહેવું એ માનવીય પ્રકૃતિનું ભાગ છે. સફાઈ સૌ ને ગમે છે. સ્વચ્છતા પ્રગતિ માટે પણ જરુરી છે. બલ્કે સ્વચ્છતા સ્વસ્થ્ય રહેવા અને જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. આપણા દેશના ગામડાઓ અને ઘણા બધા શહેરોમાં સ્વચ્છતાનો અભાવ નરી આંખે જોઈ શકાય છે. નાગરિકોમાં સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે જે જાગૃતિ હોવી જોઈએ તેનો અભાવ છે. ઉકળતી ગટરો, ખુલી નાળીઓ, જાહેરમાં શૌચ ક્રિયા કરવી, રસ્તાઓ પર ગંદકી કરવી, ગલીઓ અને શેરીઓમાં કચરો ઠાલવવો, ધુમ્રપાન વડે થતી ગંદકી… વગેરે આપણા માટે પડકારરુપ છે.
આ સમસ્યાને ધ્યાનમાં લઈ ચાલુ વર્ષે શાળાના પ્રાર્થનાહોલમાં શાળાના શરૂઆતના દિવસોમાં બધાજ વિદ્યાર્થીઓને ભેગા કરી વક્તવ્ય દ્વારા તથા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક સાહેબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. વર્ગવાઈઝ વિદ્યાર્થીઓની ટીમો પાડી મેદાન તથા શાળાની સફાઈ સતત રહે તે માટે નક્ક્રર આયોજન કરવામાં આવ્યું. શાળાનો લીલો અને સૂકો કચરો મેદાનના પાછળના ભાગમાં ખાડામાં એકઠો કરવામાં આવે છે અને ગ્રામ પંચાયત દ્વારા કચરો લેવા આવતા ટ્રેક્ટરમાં ભરાવી તેનો નિકાલ કરવામાં આવે છે. અને શાળાનું પરિસર સ્વચ્છ રહે અને વિદ્યાર્થીઓ નિરોગી રહે તેની ખાસ કાળજી આચાર્યશ્રી તથા શિક્ષક સાહેબો દ્વારા લેવામાં આવે છે.