આજ તા. ૧૫-૧૦-૨૦૧૮ સોમવારના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ – અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત “ સારસ્વત સંમેલન કાર્યક્રમ ” શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલના મફતલાલ મુખી પ્રાર્થનાહૉલમાં યોજાયો.
સવારે ૧૦-૦૦ કલાકના ટકોરે સમારંભના આદરણીય પ્રમુખશ્રી ડી.એમ.પટેલ સાહેબ ,મુખ્ય મહેમાનશ્રી પ્રવિણસિંહ રાઠોડ ,અતિથી વિશેષ સોનલબેન મોદી, શ્રીમતી મીનાબેન મોદી , ગો.કે.મંડળના ટ્ર્સ્ટી શ્રી ગિરીશભાઈ પટેલ, શ્રી કે.ડી.પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ તથા અષ્ટદશાબ્દી મહોત્સવના કન્વીનર શ્રી જે.એન.પટેલ , ગો.કે.મં ના કારોબારી સભ્ય અને અષ્ટદશાબ્દી મહોત્સવ ભૂતપૂર્વ વિદ્યાર્થી કન્વીનર શ્રી અશોકભાઈ ગીરધરદાસ પટેલ તથા ગો. કે. મં ના સર્વ હોદેદારોશ્રીઓની હાજરીમાં કાર્યક્રમની સુંદર શરૂઆત મા સરસ્વતીની પ્રાર્થના દ્વારા થઈ.
ભારતીય સંસ્કૃતિમાં અતિથી દેવો ભવનું સૂત્ર પ્રચલિત છે અને આજના આ સારસ્વત સંમેલન કાર્યક્રમમાં કાર્યક્રમને શોભાયમાન તથા ઊદ્દીપકીય શક્તિનો સંચાર કરવા અતિથિશ્રીઓ, મહેમાનશ્રીઓ ઉપસ્થિત હતા. ઉપસ્થિત સર્વ મહેમાનશ્રીઓને ગોઝારિયા ગામના ઈટાદરા હાઈસ્કૂલના શિક્ષક તથા કાર્યક્રમના મુખ્ય આયોજક એવા શ્રી રાજેન્દ્રભાઈ એન.પટેલ ( કાનૂન ) એ શાબ્દિક સ્વાગત અને પરિચય થી આવકાર્યા. સ્વાગત પરિચય બાદ સમારંભના પ્રમુખશ્રી, મુખ્ય મહેમાનશ્રી તથા અતિથી વિશેષશ્રી અને સ્ટેજ પર ઉપસ્થિત ગો.કે.મંડળના હોદ્દેદારોશ્રીઓનું ફૂલછ્ડીથી સારસ્વત મિત્રો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
શાબ્દિક સ્વાગત બાદ અષ્ટદશાબ્દી મહોત્સવના કન્વીનર શ્રી જે.એન.પટેલ સાહેબે પ્રાસ્તાવિક પ્રવચનમાં ગોઝારિયામાં શિક્ષણની આવશ્યકતા, ગ્રામસમાજ અને શિક્ષણ ગોઝારિયામાં જ્ઞાનદીપનું પ્રાગટ્ય , ધી એ.વી. સ્કૂલ ( ધી એગ્લો વર્નાક્યુલર સ્કૂલ ) ગોઝારિયાની શરૂઆત , શાળાનો ક્રમિક વિકાસ : – માધ્યમિક સ્કૂલની સ્થાપના, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની સ્થાપના વિશે તથા વિવિધ દાતાશ્રીઓના દાન તથા તન-મન અને ધનની સેવાકીય વૃતિની ઊંડાણથી વાત કરી.
પ્રત્યેક કાર્યક્રમમાં માળાના મુખ્ય મણકાની જેમ કોઈને કોઈ વિશેષ બાબત રહેલી જ હોય છે. એવીજ રીતે આપણા આ કાર્યક્રમમાં પણ ગોઝારિયાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરીને શિક્ષણના પવિત્ર યજ્ઞમાં જોડાયેલા ગામના સારસ્વત મિત્રોના પ્રતિભાવ હતા. સારસ્વત પ્રતિભાવમાં પંચાલ શિવાનીબેન,પટેલ ડિમ્પ્લબેન,પટેલ નિલમબેન,જોશી જાગૃતિબેને પોતાના વ્યક્તિત્વ વિકાસ અને કારકિર્દી ઘડતરમાં શાળાના અમૂલ્ય ફાળાની વાતો કરી. અને પોતાના ભૂતકાળના વિદ્યાર્થી જીવનના અનુભવોનું ભાથુ પીરસ્યું. સારસ્વત મિત્રોમાં ભાઈઓમાં શ્રી પ્રવિણસિંહ રાઠોડ, શ્રી પી.એસ.પટેલ,પંકજભાઈ પટેલ,ચંદુભાઈ રાવળ,પ્રકાશભાઈ પટેલ સાહેબોએ શાળા જીવન – માતૃસંસ્થાની યાદગીરી તાજી કરી ગોઝારિયામાં કેળવણીની ધૂણી ધખાવતી વટવૃક્ષ સમાન સંસ્થા ઉભી કરવામાં વડીલોના પ્રયત્નોને વંદન કર્યા.
કાર્યક્રમના આગળના ચરણમાં અતિથિ વિશેષ શ્રીમતી મીનાબેન જયંતિભાઈ મોદી બહેને પ્રસંગોચિત પોતાના વિચારો રજૂ કર્યા. આદરણીય કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબે પોતાના વક્તવ્યમાં શિક્ષકની ફરજો – કર્તવ્ય ,શિક્ષકનું ઘડતર, શિક્ષક ધર્મની વાતો કરી. મુરબ્બી શ્રી ગિરીશભાઈના વક્તવ્ય બાદ વિવિધ મહેમાનશ્રીઓના હસ્તે સારસ્વત મિત્રોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.
આજના આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી ડી.એમ.પટેલ સાહેબનું વક્તવ્ય હતું. આજના સમારંભના અધ્યક્ષ શ્રી ડી.એમ.પટેલ સાહેબે પોતાની લાક્ષણિક અદામાં કાકા કાલેલકર – ઉમાશંકર જોશી ના શિક્ષણના વિચારો તથા કવિતાના તથા પોતાના અનુભવના નિચોડના અંતે મેળવેલ વિચારો શિક્ષણના આ પવિત્ર યજ્ઞમાં જીવનમાં સંભારણું બની રહે તેવા વિચારો રજૂ કર્યા. શ્રી ડી.એમ પટેલના વાતોમાં જાણવા મળ્ત્યું કે માનવી એ સામાજિક પ્રાણી છે આથી તેનામાં અન્ય પ્રાણીઓ કરતાં વિશેષપણે કલ્પનાશક્તિ અને બુધ્ધિશક્તિ રહેલાં છે. પરંતુ તે શક્તિના વિશિષ્ટ વિકાસ માટે કેળવણી અતિ આવશ્યક છે. કારણ કે શિક્ષણ – કેળવણી વ્યક્તિના વ્યક્તિત્વનું ઘડતર જ કરે છે એટલું નહિ,પરંતુ એનામાં સંસ્કારિતાનાં બીજ પણ રોપે છે. આમ, વ્યક્તિને વિભૂતિમત્વ અર્પનારું કોઈ તત્વ હોય તો તે શિક્ષણ જ છે. આમ, તેના વામન વ્યક્તિત્વને વિરાટ સ્વરૂપ લઈ જનારું તત્વ પણ શિક્ષણ જ છે. અને આ શિક્ષણના દિવાને પ્રજ્વલિત રાખવાનું કામ અહિ આ સંમેલનમાં હાજર રહેલ ગામના સારસ્વત મિત્રો જ કરી શક્શે. શ્રી ડી.એમ.પટેલ સાહેબે ગોઝારિયામાં અંગ્રેજી શિક્ષણનો પાયો નાખનાર ગોઝારિયાના બે શિક્ષણપ્રેમી યુવાનો શ્રી રતિભાઈ ડાહ્યાભાઈ અમીન અને શ્રી સુરજમલ મો.અમીન થી શરૂ કરીને શ્રી સોમાભાઈ જરીવાલા, શ્રી શંકરલાલ જીજીદાસ, શ્રી તુલશીભાઈ તથા સર્વ આચાર્યશ્રી તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી/મંત્રીશ્રી અને વિશેષમાં શ્રી કે.ડી.પટેલ સાહેબને યાદ કરી પોતાના સંસ્થા સાથેના અનુભવોને વર્ણવ્યા. શ્રી ડી.એમ.પટેલ સાહેબે કે.ડી.પટેલ સાહેબના નામે ગોઝારિયા કેળવણી મંડળને ૨૧૦૦૦/- ના દાનની જાહેરાત કરી હતી.
કાર્યક્રમમાં આનંદની વાત એ હતી કે ઉપસ્થિત સારસ્વત મિત્રોએ સંસ્થાનું ઋણ અદા કરવા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે યોગદાન જાહેર કર્યું. સારસ્વત મિત્રો દ્વારા શ્રી ગોઝારિયા કેળવણી મંડળને અષ્ટદશાબ્દી મહોત્સવમાં ૭,૫૧,,૭૩૦/- રૂ. ( સાત લાખ એકાવન હજાર સાતસો ત્રીસ ) માતબર દાનની જાહેરાત કરી. સૌ હાજર લોકોએ તાળીઓથી દાનને વધાવ્યું.
કાર્યક્રમના અંતિમ ચરણમાં અષ્ટ દશાબ્દી મહોત્સવના કન્વીનર શ્રી જયંતિભાઈ એન.પટેલ દ્વારા સર્વ દાતાઓનો ખરા દિલથી આભાર માનવામાં આવ્યો. આ ઉપરાંત શ્રી જે.એન.પટેલ દ્વારા આજના આ કાર્યક્રમને સફળ બનાવનાર સર્વ મહેમાનશ્રી, કર્મયોગી સારસ્વત પરિવાર સૌ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
દરેક કાર્યક્રમને સફળ બનાવવામાં કોઈ ખાસ ચહેરાનું યોગદાન વિશેષ હોય છે. આજનો આ કાર્યક્રમ સફળ બને તે માટે ખૂબજ ઝીણવટભર્યુ આયોજન કરવામાં સિંહફાળો ગોઝારિયા કેળવણી મંડળના કારોબારી સભ્ય પ્રોફેસરશ્રી અશોકભાઈ ગીરધરદાસ પટેલ નો રહ્યો છે.શ્રી અશોકભાઈના માઈક્રો આયોજન નીચે ગો.કે.મંડળના તાજેતરમાં ઉજવાયેલા નવરાત્રિ મહોત્સવ, માતૃ-પિતૃ અભિવંદના કાર્યક્રમ, ગુરૂપૂર્ણિમા ઉજવણી, નગર શોભાયાત્રા ખૂબજ સફળ રહ્યા છે. શ્રી રાજુભાઈ પટેલ ( કાનૂન ), શ્રી રાજુભાઈ પટેલ , શ્રી નયનભાઈ જાની, શ્રી મુકેશભાઈ પટેલ એ સતત ખડે પગે રહીને કાર્યક્રમને સફળ બનાવવા તન – મન અને ધનથી સેવા આપી છે.
કાર્યક્રમ બાદ ઉપસ્થિત સૌ સારસ્વત મિત્રોએ ગૃપ ફોટામાં પોતાની તસ્વીરને કંડારી અને અંતે સ્વરૂચિ ભોજનના સથવારે જઠરાગ્નીને સંતૃપ્ત કરી સૌ મીઠા સંસ્મરણો વાગોળતા વાગોળતા છૂટા પડ્યા.