વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.
મનુષ્યને જીવવા માટે ખોરાક, પાણી અને હવા ની જરૂર હોય છે. ખોરાક અને શુધ્ધ હવા આ વૃક્ષો વિના શક્ય નથી. ફળફળાદિ , ઔષધી અને છાયડો વૃક્ષો આપે છે. તે વરસાદ લાવવામાં ખુબ જ મદદરૂપ છે. વૃક્ષો વિશે સકરાત્મક અભિગમ કેળવાય અને વૃક્ષોનો મહત્વ સમજાય તે ખુબ જ આવશ્યક છે.
આજ રોજ ૭૨ મા સ્વાતંત્ર્ય પર્વની સોનેરી સવારે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા યોજાઈ રહેલ અષ્ટદશાબ્દી મહોત્સવની ઉજવણી ભાગરૂપે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સવારે ૯-૦૦ કલાકે ૧૫૦ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થઈ ૧૦૦૦ કરતાં વધુ રોપાઓનું ગામની જાહેર જગ્યાઓ પર વાવેતર કરવામાં આવ્યું હતુ. અને ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ, એક ઝાડ’,જેવા સૂત્રો બોલી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.